મંગળવાર, 8 માર્ચ, 2011

ક–ખ–ગ

ક – કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો…
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો.
ઝ – કહે છે ઝઘડો ન કરો.

ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.
ઢ – કહે છે કયારેય 'ઢ' ન બનો.
ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.
થ – કહે છે થાકો નહીં.
દ – કહે છે દીલાવર બનો.
ધ – કહે છે ધમાલ ન કરો.
ન – કહે છે નમ્ર બનો.
પ – કહે છે પ્રેમાળ બનો.
ફ – કહે છે ફુલાઇ ન જાઓ.
બ – કહે છે બગાડ ન કરો.
ભ – કહે છે ભારરૂપ ન બનો.
મ – કહે છે મધૂર બનો.
ય – કહે છે યશસ્વી બનો.
ર – કહે છે રાગ ન કરો.
લ – કહે છે લોભી ન બનો.
વ – કહે છે વેર ન રાખો.
શ – કહે છે કોઇને શત્રુ ન માનો.
સ – કહે છે હંમેશા સાચુ બોલો.
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.
હ – કહે છે હંમેશા હસતા રહો.
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.

એ પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

'તું નથી' ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ

પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો

નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં

ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,

તૂટેલા મિજાગરા પર પવન લટકે છે.

જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.

પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો

             શિથિલ થઈને પડ્યાં છે.

ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.

બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.

તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.

દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.

ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.

એની આંખોમાં લાચારી નથી, આશા નથી,

કેવળ એક પ્રશ્ન છે :

આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –

‘સયુજા સખા’નો અર્થ.

-  જયા મહેતા

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ
મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે
કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો
ને ફર્યા, નથી કંઈ દી'થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી
જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં
પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર
જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં
ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ
છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય,
તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું
કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,

છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,
ક્ષેમકુશળ  છે શાયર લોહીઉકાળા વચ્ચે !

આજ  નહીં  તો કાલે એણે  ભરવા પડશે,
ભડભાદર છે,  તાણે સોડ ઉચાળા વચ્ચે !

થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,
ઉષ્મા ક્યાં છે? પૂછે ધોમ ઉનાળા વચ્ચે !

એનું સાચું  સરનામું  આ, ક્યાંક લખી લો
મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે !

ચીવટ રાખી ટીપાંનો હિસાબ લખે છે,
ભૂલ પડે છે તાળા ને સરવાળા વચ્ચે !

મૂંગે મોંએ મરણતોલ એ ઘાવ સહે છે,
ચિત્કારે છે, સહેજ અડો જો આળા વચ્ચે !

જો કે મોત ભમે છે એના માથા ઉપર,
તો ય સલામત કોના એ રખવાળા વચ્ચે ?

- કિશોર જીકાદરા

સુકાયેલી નદી

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
'તને ચાહું છું હું' બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે




સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

– મેગી અસનાની