બુધવાર, 16 માર્ચ, 2011

ગુણવંતી ગુજરાત

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ ! … ગુણવંતી ગુજરાત !
મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ ! … ગુણવંતી ગુજરાત !
સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગમાં અર્પણ કરિયે જાત ! … ગુણવંતી ગુજરાત !
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય … ગુણવંતી ગુજરાત !
સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર ! … ગુણવંતી ગુજરાત !
હિન્દુ મુસ્લિમ,પારસી,સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરિયે સેવા સહુ કાળ ! … ગુણવંતી ગુજરાત !
ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર … ગુણવંતી ગુજરાત !
- અરદેશર ખબરદાર

નીલ ગગન

ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…
સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…
તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…
મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

તને ગમે તે મને ગમે

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને
તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું  કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી,
તને કહું કંઇ તે પહેલા તો તું કહી દેતી, છો ને … તને ગમે.
તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઇ બેઠું,
હું ઝળઝળિયા પહેરાવી એક શમણું ફોગટ વેઠું,
તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને … તને ગમે.
-વિનોદ જોશી

માને તો મનાવી લેજો રે..

હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
- ભગા ચારણ

મારી આંખે કંકુના

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
- રાવજી પટેલ
છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં… છાનું રે છપનું…
આંખો બચાવીને આંખના રતનને,
પરદામાં રાખીને સાસુ નણંદને,
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી,
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
- અવિનાશ વ્યાસ

છાનું રે છપનું…

છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં… છાનું રે છપનું…
આંખો બચાવીને આંખના રતનને,
પરદામાં રાખીને સાસુ નણંદને,
ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી,
આવેલા સપનાનો લ્હાવો લુંટાય નહીં,
ઝનકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં… છાનું રે છપનું…
- અવિનાશ વ્યાસ