બુધવાર, 16 માર્ચ, 2011

ડંખ દિલ પર

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો
અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ,
જગે પ્રેમગાથા અમર કોણ કરશે … નહીં હોય
સમજવો નથી સાર કૈં જિંદગીનો
કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની
તો મૃગજળની સામે નજર કોણ કરશે … નહીં હોય
નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે … નહીં હોય
પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી,
અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો,
તમારી નજર પર નજર કોણ કરશે … નહીં હોય
નજર રૂપની એટલે એક પારો,
હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે,
જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે … નહીં હોય
- ‘શૂન્ય’ પાલનપુરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો