મંગળવાર, 15 માર્ચ, 2011

ઇચ્છા

જ્યારથી મેં તને જોઇ છે, જાણી છે, ચાહી છે
ત્યારથી મનમાં ઇચ્છાનો એક ફણગો ફુટ્યો છે.
એ ઇચ્છા ન તો કુતુહલતા છે, ન તો જિજ્ઞાસા,
ન તો મોહ છે, ન તો વાસના.
ઇચ્છા તો નાનકડી જ છે, તારા ગુલાબને શરમાવે એવા નાજુક ગાલોનો સ્પર્શ.
એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે
આ ઇચ્છા પરિપુર્ણ કરી શક્યો હોત.
કદાચ તને યાદ નહી હોય પરંતુ ધૂળેટીના દિવસે, તુ નખશિખ
રંગાઇને ઊભી હતી અને મારા હાથ પણ ગુલાલથી ભરેલા હતા.
તારા સપ્તરંગી ચહેરાને જોવામાં જ હાથમાંથી ધીરે-ધીરે ગુલાલ
સરકતો ગયો અને સમય પણ. જ્યારે તું નજરોથી ઓજલ થઇ
ત્યારે અફસોસ થયો. પરંતુ શું થાય?
સમયને પાછો વાળવા હું અક્ષમ હતો.
આજે તુ નથી એ સમય નથી અને હાથમાં ગુલાલનું બહાનું પણ નથી.
પરંતુ એ ઇચ્છા તો દરરોજ સવારે આળસ મરડીને બેઠી થાય જ છે.
તારા ગાલને સ્પર્શવા માટે તલસતી એ જ ઇચ્છાના સમ,
આવતા જન્મે, હું તારા આંગણામાં ખીલેલું મઘમઘતું ગુલાબનું પુષ્પ બનીશ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો