મંગળવાર, 15 માર્ચ, 2011

કહાની

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ
એક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છે
તને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગી
એક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.
ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલા
એ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છે
દિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસે
એ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છે
તારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાં
લિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છે
સારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાં
તારા હાથમાં એક રેખા મારા નામની છે
દિલની વાત કહું કે નહી? એ મુંઝવણ
મારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છે
એટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશે
કહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો