બુધવાર, 16 માર્ચ, 2011

આંખના આંસુ

આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે,
લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે.
એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ,
એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે.
બેવફાઈ શ્વાસની, પીડે સતત સંવેદના,
જીંદગી સ્મિતે છતાં સઘળું નભાવી જાય છે.
શું હશે એવું, હજી શોધ્યા કરું એની કૂંચી,
(કે) પારકું ઘર, પારકો વિસ્તાર ભાવી જાય છે.
શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે.
હર્ષ, પીડા, ખેવના, ઉન્માદ, ‘ચાતક’ની તરસ,
આ સમયના દાંત તો કેવુંય ચાવી જાય છે.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો