બુધવાર, 16 માર્ચ, 2011

સર્જાય છે ગઝલ,

લાગણીના ઢાળ પર સર્જાય છે ગઝલ,
તૂટતાં મુશ્કેલથી સંધાય છે ગઝલ.
માતૃભૂમિ ગુર્જરીની વાત શું કરવી,
રેંટિયાઓ પર અહીં કંતાય છે ગઝલ.
સોમનાથે શબ્દ, પાટણથી લઈ પ્રભુતા,
શેર સાસણના થકી ગર્ભાય છે ગઝલ.
દૂધમલ નવલોહિયાઓના શૂરાતનથી,
પાળિયાઓમાં પછી બંધાય છે ગઝલ.
ટેક ‘ગાંધી’ની બને ‘સરદાર’ની શૂરતા,
જશ્ન-એ-આઝાદી થકી રંગાય છે ગઝલ
આપસી સદભાવ, શ્રધ્ધા, ભાઈચારાથી
ઈદથી ઉતરાણ લગ લંબાય છે ગઝલ.
આવનારી કાલ બનશે આજની આંધી,
આજકલ ‘મોદી’ થકી પંકાય છે ગઝલ.
છે હવે ‘ચાતક’ પ્રતીક્ષા ગૌરવી પળની,
જોઈએ છે ક્યાં સુધી સંતાય છે ગઝલ.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો